દિલ્હીમાં સોમવાર, 18 નવેમ્બરે પ્રદૂષણ સતત છઠ્ઠા દિવસે ગંભીર કેટેગરીમાં રહેતા સરકારે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે લોકડાઉન જેવા આકરા પગલાંનો અમલ કર્યો હતો. પ્રદૂષણને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં દિલ્હી એરપોર્ટ પરની કુલ 11 ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરાઈ હતી અને ઘણી ફ્લાઇટ વિલંબિત થઈ હતી. રાજધાનીના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી.
ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના ક્લાસ સિવાય તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસની જાહેરાત કરાઈ હતી. સોમવારે સવારે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) “ગંભીર-પ્લસ” કેટેગરીમાં ગગડી ગયો હતો. ઝેરી ધુમ્મસને કારણે કેટલાંક સ્થળોએ વિઝિબિલિટી ઘટીને 150 મીટર થઈ હતી. તેનાથી સોમવારે અનેક ફ્લાઇટ્સને પણ પ્રભાવિત થઈ હતી.
સરકારના આદેશ અનુસાર આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી અથવા સ્વચ્છ ઇંધણ (LNG/CNG/BS-VI ડીઝલ/ઇલેક્ટ્રિક)નો ઉપયોગ કરતી ટ્રક સિવાય કોઇપણ ટ્રકને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.ઇલેક્ટ્રિક વાહનો તથા CNG અને BS-VI ડીઝલ વાહનો સિવાય દિલ્હીની બહાર નોંધાયેલા બિન-આવશ્યક હળવા કોમર્શિયલ વાહનોને પણ પ્રતિબંધિત કરાયા હતા.
હાઈવે, રસ્તા, ફ્લાયઓવર, પાવર લાઈનો, પાઈપલાઈન અને અન્ય જાહેર પ્રોજેક્ટ સહિતની તમામ બાંધકામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ કેપિટલ રિજન (NCR)ની ઓફિસો 50 ટકા ક્ષમતા પર કામ કરશે અને બાકીના કર્મચારીઓ બાકીના ઘરેથી કામ કરશે.
દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે વધવા સાથે શહેરના એર પ્યુરિફાયર અને માસ્કના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે ‘ગંભીર પ્લસ’ કેટેગરીમાં આવી ગઈ હતી, જેમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 484 થઈ ગયો હતો
Comments on “દિલ્હીમાં પ્રદૂષણથી હાહાકાર, ‘લોકડાઉન’ જેવા આકરા પગલાં, અનેક ફ્લાઇટ ડાઇવર્ટ કરાઈ”